હવે મહિલાઓની છેડતી જેવા ગુનો કરનારા ગુનેગારોના પોસ્ટર ચાર રસ્તે લગાવશે : ઉત્તર પ્રદેશ સરકાર


ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓ વિરુદ્ધ થતા ગુના પર કાબૂ મેળવવા માટે અનોખી પહેલ કરી છે. મહિલાઓ સાથે છેડતી, યૌન શોષણ અને દુષ્કર્મ જેવા ગુનાની આદત ધરાવતા ગુનેગારોના પોસ્ટર ચાર રસ્તા પર લગાવાશે.

સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આવા ગુનાની તપાસ માટે પોલીસને ‘ઓપરેશન દુરાચારી’ શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. યોગીએ કહ્યું છે કે, આ પ્રકારના ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મહિલા પોલીસકર્મીઓને છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત આવા ગુનેગારોને ખુલ્લા પાડવા તેમની તસવીર અને નામ ધરાવતા પોસ્ટર બનાવી ચાર રસ્તે લગાવવા જોઈએ. મહિલાઓ વિરુદ્ધ ગુના કરનારા કોણ છે તેની લોકોને ખબર પડવી જોઈએ. જો મહિલાઓ વિરુદ્ધ સતત આવા ગુના થશે, તો જે તે પોલીસ મથક વિસ્તારના બીટ પ્રભારી, ચોકી પ્રભારી, પોલીસ મથક પ્રભારી અને સર્કલ અધિકારી પણ જવાબદાર ગણાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે, એન્ટિ રોમિયો સ્ક્વૉડને વધુ સક્રિય અને મજબૂત કરવી જોઈએ, જેથી મહિલાઓ વિરુદ્ધના ગુનાની તપાસમાં મદદ મળે.